(સંવાદદાતા દ્વારા)
સુરત, તા.૩
સુરત શહેરમાં કોરોના સતત વકરી રહ્યો છે અને કોરોના કેસના રોજ નવા વિક્રમી બની રહ્યો છે. આજે શહેરમાં વધુ ૭૮ કેસ સામે આવ્યા છે. જોકે અત્યારે કોઈ મુત્યુ નહીં થતા રાહત જણાઈ રહી છે. શહેરમાં કોરોનાનું સંક્રમણ ભયજનક રીતે વધી રહ્યો છે. શહેરમાં કોરોનાના કેસની સંખ્યા પાંચ હજારને પાર કરી ગઈ છે અને મૃત્યુઆંક ૧૯૫ ઉપર પહોંચ્યો છે. સુરતમાં કોરોના કેસના સૌથી વધુ સંક્રમણ વરાછા અને કતારગામ વિસ્તારમાં જોવા મળ્યું છે. કતારગામ બાદ વરાછામાં પણ કોરોના કેસની સંખ્યા ૧ હજારની નજીક પહોંચી ગઈ છે. ત્યારે ઉપરોક્ત વિસ્તારોમાં તકેદારી લેવામાં નહીં આવી તે સ્થિતિ ગંભીર બનાવાની શકયતા છે. છેલ્લા ત્રણ દિવસથી રાજયના આરોગ્ય અગ્રસચિવ ડો. જયંતી રવિએ શહેરમાં ધામા નાંખ્યા છે. તેઓએ સૌથી વધુ સંક્રમિત ગણાતા વરાછા, કતારગામ ઝોનની મુલાકાત લીધી હતી. ગઈકાલે તેઓએ એવું પણ જાહેર કર્યું હતું કે જે વિસ્તારમાં કોરોનાનું સક્રમણ વધશે તે વિસ્તારમાં પાનના ગલ્લાઓ બંધ કરી દેવાશે દરમિયાન આજે બપોરે આરોગ્ય અગ્રસચિવ જયંતી રવિએ ફરીવાર કતારગામ ઝોન વિસ્તારની મુલાકાત લીધી હતી અને વસ્તાદેવડી સ્થિત કોમ્યુનિટી હોલ ખાતે પ્રજાપતિ સમાજ તરફથી આઈસોલેશન વોર્ડની સુવિધા તેમના હસ્તે ખુલ્લી મૂકવામાં આવી હતી. તેમની સાથે મનપા કમિશનર બંછાનીધી પાની અને મેયર ડો,. જગદીશ પટેલ પણ હાજર રહ્ના હતા. જ્યારે શહેરની જેમ જિલ્લામાં પણ કોરોના વાયરસનું સંક્રમણ અપેક્ષા મુજબ વધી રહ્યો છે. જિલ્લામાં સડસટાડ કેસોની સંખ્યા વધતી જાય છે ત્યારે કામરેજ તાલુકો સૌથી વધુ હોટસ્પોટ બન્યો છે. જયારે બીજા નંબર ચોર્યાસી, ત્રીજા નંબર ઓલપાડ તાલુકો રહ્યો છે. ગત રોજ ૪૮ પોઝિટિવ કેસ સામે આવ્યા બાદ શુક્રવારે વધુ ૩૮ પોઝિટિવ કેસ આવતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી જવા પામી છે આમ જિલ્લામાં પોઝિટિવ કેસનો આંકડો ૬૭૩ ઉપર પહોંચ્યો છે.