(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૭
દુષ્કર્મના કેસમાં પાસાની કલમ ન લગાવવા મહિલા પીએસઆઈ શ્વેતા જાડેજા દ્વારા ૩૫ લાખનો તોડ કરી ૨૦ લાખની રકમ પડાવી લેવાના મામલે આજે આરોપી મહિલા પીએસઆઈ શ્વેતા જાડેજાને સેશન્સ કોર્ટમાં રજૂ કરી પોલીસ દ્વારા સાત દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવી હતી જેની સામે સેશન્સ કોર્ટે માત્ર ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરેલ હતા. આજે ત્રણ દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં આરોપી મહિલા PSI શ્વેતા જાડેજાના વધુ ત્રણ દિવસના રિમાન્ડ માટે કોર્ટ સમક્ષ માગણી કરવામાં આવી હતી. આરોપી તપાસ કાર્યવાહીમાં સાથ સહકાર આપતી ન હોવાથી વધુ ત્રણ દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવી હતી. કોર્ટે આરોપી પીએસઆઈના પુનઃ રિમાન્ડ નામંજૂર કર્યા હતા. વધુ તપાસ માટે એસ.ઓ.જી.એ ત્રણ દિવસના રિમાન્ડની કરી હતી માંગ. તપાસ માટે પૂરતો સમય મળ્યો હોવાના મુદ્દાને ધ્યાનમાં રાખી કોર્ટે રિમાન્ડ નામંજૂર કર્યા હતા. આરોપી પીએસઆઈ શ્વેતા જાડેજાને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા કોર્ટે આદેશ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરના પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા PSI એસ.એચ. જાડેજા (શ્વેતા જાડેજા) સામે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ખંડણીની ફરિયાદ નોંધાઈ છે. મહિલા PSIએ બળાત્કાર કેસના આરોપી પાસેથી ૩૫ લાખ રૂપિયાની માંગ કરી હતી જેમાં ૨૦ લાખ પડાવી લીધા હતા. ટુકડે ટુકડે આ રૂપિયા PSIએ પડાવ્યા હતા. મહિલા PSIની આ લાંચ મામલે ક્રાઈમ બ્રાંચમાં અરજી થઈ હતી જેની તપાસ બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધયો છે. મહિલા PSI સામેના ગુનાની તપાસ અમદાવાદ SOGને સોંપવામાં આવી છે SOGએ PSI જાડેજાની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે શું છે સમગ્ર મામલો ? GSP ક્રોપ સાયન્સ પ્રાઈવેટ લિમિટેડ કંપનીના એમ.ડી. કેનાલ શાહ વિરૂદ્ધ ૨૦૧૭માં મહિલા કર્મચારીએ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. આ કેસની તપાસ મહિલા પશ્ચિમ પોલીસ સ્ટેશનના PSI શ્વેતા જાડેજાને સોંપવામાં આવી હતી. બાદમાં મહિલા પોલીસ સ્ટેશનમાં જ પોલીસ સામે કેસમાં સાક્ષીને ધમકાવવા અંગે કેનાલ શાહ સામે સેટેલાઈટમાં ફરિયાદ થઈ હતી, આમ બે-બે કેસ અંગેની ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેમાં પીઆઈનો ચાર્જ ધરાવતાં PSI શ્વેતા જાડેજાએ રેપ કેસની તપાસમાં કેનાલ શાહને પાસા હેઠળ પૂરી દેવાનું જણાવી ૩૫ લાખ રૂપિયાની માગણી કરી હતી જેમાં તેઓને ૨૦ લાખ ચૂકવી દેવાયા હતા પરંતુ ૧૫ લાખ બાકી હતા. આ માટે કેનાલ શાહે ક્રાઈમ બ્રાન્ચમાં અરજી કરી હતી. જે અંગે તપાસમાં પુરાવા મળતાં PSI શ્વેતા જાડેજા વિરૂદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડ કરવામાં આવી હતી.