ડીસા/પાલનપુર, તા.૯
બનાસકાંઠા જિલ્લામાં આજરોજ ૬ કેસ પોઝિટિવ નોંધાયા હતા. ડીસા ૨, ધાનેરા ૧, દિયોદર ૨, કાંકરેજમાં ૧ કેસ સામે આવ્યો હતો. જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા ૩૪૬ પહોંચી ગઈ છે. મૃત્યુઆંક ૧૪ થવા પામ્યો છે. આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડો.મનિષ ફેન્સીએ જણાવ્યું હતુ કે, જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા ૩૪૬ પહોંચી ગઈ છે. જ્યારે ૧૪ દર્દીઓના મોત નિપજ્યા છે. દરમિયાન ડીસામાં પણ અત્યાર સુધીમાં ૧૪૦ ઉપરાંત કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. ત્યારે ડીસા સુવર્ણકાર એસોસિએશન અને ડીસા કરિયાણા મર્ચન્ટ એસોસિએશનએ સ્વૈચ્છાએ ડીસામાં સવારે ૯થી બપોરે ૨ વાગ્યા સુધી જ વેપાર ધંધા માટે દુકાનો ખોલવાનો નિર્ણય લીધો છે. જેથી લોકો ભેગા ઓછા થાય અને કોરોના સંક્રમણ થતું અટકી શકે જો કે, આ નિર્ણય બાદ મોટાભાગની દુકાનો બપોર બાદ બંધ થયેલી જોવા મળી હતી. તો ક્યાંક એસોસિએશનના આદેશની અવગણના કરીને દુકાનો ચાલુ પણ રહી હતી. આ બાબતે બન્ને એસોસિએશનના પ્રમુખ મૂળચંદ સોની અને જગદીશ મોદીએ જણાવ્યું હતું કે, કોરોના સંક્રમણ થતું અટકે જે માટે અમારો સ્વૈચ્છિક નિર્ણય છે.
ગ્રામ્ય વિસ્તારોમાં દિયોદરના લુંદ્રા ગામે એકસાથે બે સગાભાઇનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેમાં બંને દિયોદરમાં મરચા-મસાલાની ઘંટી ચલાવતાં હોવાનું સામે આવ્યુ છે. પ્રાથમિક રીતે તેમને કોઇ ગ્રાહક દ્રારા ચેપ લાગ્યો હોવાનું માનવામાં આવી રહ્યુ છે. આ તરફ ધાનેરાના અનાપુરા છોટામાં પણ ૩૫ વર્ષિય મહિલાનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સૂત્રોએ જણાવ્યુ હતું કે, આજે ડીસામાં ૬૨ વર્ષિય પુરૂષ અને ૨૫ વર્ષિય મહિલા અને શિહોરીમાં ૫૫ વર્ષિય પુરૂષ કોરોનાના શિકાર થયા છે. અનલોકમાં મળેલી છુટછાટને પગલે વાહન વ્યવહાર બેફામ બનતાં, જીલ્લા બહારની મુસાફરી અને ગાઇડલાઇનનું પાલન નહિ કરવાને કારણે દરરોજ નવા કેસો સામે આવી રહ્યા છે.