(સંવાદદાતા દ્વારા)
વડોદરા,તા.ર૪
જમીન વિવાદમાં વડોદરાના ડેપ્યુટી મેયર જીવરાજ ચૌહાણની ઓડિયો કલીપ વાયરલ થતા રાજકીય મોરચે ચર્ચાનો વિષય બન્યો છે. ઓડિયો કલીપમાં વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ચાણસદ ગામે રહેતા રેવાબેન નટવરભાઈ પરમારની જમીન બાબતે સુનિલ આચાર્ય નામના વ્યકિતના ટાંટિયા તોડી નાખવાની ડેપ્યુટી મેયર દ્વારા ધમકી આપવામાં આવી છે. વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ચાણસદ ગામના રેવાબહેન નટવરભાઈ પરમારની માલિકીની જમીન હતી. આ જમીનમાં કેટલાક તત્વોએ પચાવી પાડવા માટે પ્રયાસ કર્યા હતા. દરમ્યાન આ મેટર વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ડો. જીવરાજ ચૌહાણ પાસે આવી હતી. ડેપ્યુટી મેયરે જમીનમાંથી અસામાજિક તત્વોને દુર કરવા માટે પોતાના પુત્રના નામે બાનાખત કરી લીધો છે. વાયરલ થયેલા ઓડિયો અંગે વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ડો. જીવરાજ ચૌહાણે જણાવ્યું હતું કે, વિધવા રેવાબહેન પરમારને મદદ કરી છે. તેઓને મે નાણાંની પણ મદદ કરી છે. પરંતુ તેઓ કલ્પેશ નામના વ્યકિત સહિત-ર વ્યકિતને જમીનમાંથી દુર કરવા માટે દબાણ કરી રહ્યા છે. મારાથી રેવાબહેનને જેટલી મદદ કરવાની હતી તે કરી છે. આ જમીન બાબતે મારે ઉગ્ર પણ થવું પડયું છે. રેવાબહેનની જમીન મેં પચાવી પાડી છે તે વાત ખોટી છે.