સરદાર બ્રિજ પર સ્પાન બેસાડવાની કામગીરી દરમ્યાન લોક છટકી જતાં સ્પાન ધડાકાભેર ગડર પર બેસી ગયું

(સંવાદદાતા દ્વારા) સુરત, તા. ૧૧
સુરત શહેરના અડાજણ અને અઠવાલાઇન્સને જોડતો તાપી નદી ઉપર આવેલા સરદાર બ્રિજ પર હાલમાં પુર જોશમાં ચાલી રહ્યું છે ત્યારે આજે બ્રિજના એક સ્લેબની નવી બનતી સ્પાન બેસાડવાની કાર્યવાહી ચાલી રહી હતી તે સમય દરમિયાન અચાનક સ્પાન ઉપર લગાડવામાં આવેલ લોક છટકી જતા સ્પાન ધડાકાભેર ગડર પર બેસી જતા મોટા અવાજ સાથે ધ્રુજારી અનુભવાતા આજુબાજુના લોકોમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો અને સદનશીબે મોટી દુર્ઘટના બનતા રહી ગઇ હતી. બનાવ સંદર્ભે સુરત મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ તથા બ્રિજસેલના અધિકારીઓ અને બ્રિજના કોન્ટ્રાક્ટર દ્વારા આ સમગ્ર ઘટના ઉપર ઢાંકપિછોડો કરી સહ સલામતની આ બલ પોકારતા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરત શહેરના અઠવાલાઇન્સ અને અડાજણ ગુજરાત ગેસ સર્કલને જોડતો સરદાર બ્રીજને હાલમાં ફોરલેન કરવાની કાર્યવાહી ચાલી રહી છે. અડાજણથી અઠવાલાઇન્સ તરફ આવતી એક લેનનું કામ પૂર્ણ થઇ ગયું છે, અને બીજી બાજુ જે લેનના સ્પાન નાંખવાની કામગીરી ચાલી રહી તે સમય દરમિયાન અચાનક લોક છટકી ગયું હતું, અને આ મહાકાય સ્લેબ ધડાકા ભેર નીચે બેસી ગયો હતો. ઘટના વખતે આસપાસના વિસ્તારના લોકોને ભૂકંપ જેવી ધ્રુજારીની અનુભુતિ થઇ હતી, અને લોકો ગભરાઇને ઘરની બહાર દોડી આવ્યા હતા. અચાનક બનેલી આ ઘટનાને પગલે લોકોમાં ગભરાટ ફેલાઇ જવા પામ્યો હતો.
દરમિયાન સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે અવાજ એટલો મોટો હતો કે કોઇ સ્થળે મોટી ઇમારત ધડાકાભેર તુટી પડી હોય, એવું લાગતું હતું. જેથી સ્થાનિક અને સમગ્ર શહેરમાં કોઇ મોટી દુર્ઘટના સર્જાઇ હોય તેવું ચર્ચાઇ રહ્યું છે. પરંતુ સરદાર બ્રિજના સ્પાનનો લોક તુટી જવાના બનાવની જાણ લોકોને થતાં કોઇ અનિચ્છનીય બનાવ ના બનતાં લોકોમાં મહ્‌દઅંશે રાહત અનુભવી હતી. આ બનાવ બન્યા બાદ બ્રિજના કોન્ટ્રાક્ટર અને સુરત મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારી તથા બ્રિજ સેલના અધિકારીઓ અને પુચ્છા કરવામાં આવતાં તમામ આ ઘટના પર ઢાંકપીછોડા કરી રહ્યાં છે, અને આ સંદર્ભે કંઇ પણ કહેવા તૈયાર નથી. આ બનાવ બન્યા બાદ બ્રીજના કોન્ટ્રાક્ટર દ્વારા સમગ્ર ઘટના પર ઢાંકપીછોડ કરવા માટે કંતાનો પાથરીને સ્લેબના અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો, અને સમગ્ર ઘટનાની વિગતો મેળવી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks