Downtrodden

મેન્યુઅલ સ્કેવેન્જિંગ : ઝેરી ધુમાડાએ દિલ્હીના પિલંજીમાં બેનો ભોગ લીધોતેમને બચાવવા માટે અન્ય એક મજૂર ગટરની અંદર ગયો, બાદમાં ત્રણેયને બહાર કાઢવામાં આવ્યા હતા

(એજન્સી) નવી દિલ્હી, તા.૧૦
એક અધિકારીએ જણાવ્યું હતું કે, ધુમાડાના સંભવિત શ્વાસ રૂંધાવાને કારણે મૃત્યુ થયું હતું, જ્યારે અન્ય એક વ્યક્તિ જે તેમને બચાવવા માટે અંદર ગયો હતો તે હાલમાં હોસ્પિટલમાં દાખલ છે. મૃતકોની ઓળખ બિહારના ગોપાલ ગંજના રહેવાસી બબુન્દ્ર કુમાર સિંહ (૨૯) અને હિમાચલ પ્રદેશના હમીરપુર જિલ્લાના રહેવાસી રામસરે (૪૧) તરીકે થઈ છે. ડીસીપી (દક્ષિણ-પશ્ચિમ) સુરેન્દર ચૌધરીના જણાવ્યા અનુસાર, સરોજિની નગર પોલીસ સ્ટેશનના પોલીસને ૮ ઓકટોબરના રોજ એક મકાન ધરાશાયી થવા અંગે પીસીઆર કોલ મળ્યો હતો. તેમાં કહેવામાં આવ્યું છે કે કેટલાક મજૂરો કાટમાળ નીચે ફસાયા છે. જો કે, જ્યારે સ્ટેશન હાઉસ ઓફિસર નેશનલ બિલ્ડીંગ્સ કન્સ્ટ્રક્શન કોર્પોરેશનની પિલનજી ગામ ખાતેની બાંધકામ સાઇટ પર સ્થળ પર પહોંચ્યા ત્યારે જાણવા મળ્યું કે બે મજૂરો ઉપયોગમાં ન લેવામાં આવી રહેલ એક ગટરમાંથી કચરો કાઢી રહ્યા હતા ત્યારે બેભાન થઈ ગયા હતા. ડીસીપીએ જણાવ્યું હતું કે,“તેમને બચાવવા માટે અન્ય એક મજૂર ગટરની અંદર ગયો. બાદમાં ત્રણેયને બહાર કાઢવામાં આવ્યા હતા. બે મજૂરોને વીસીએલ કન્સ્ટ્રક્શન કંપનીની એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યારે ત્રીજાને પોલીસ સ્ટેશનના ઇમરજન્સી રિસ્પોન્સ વાહન દ્વારા એઈમ્સ ટ્રોમા સેન્ટરમાં મોકલવામાં આવ્યા હતા.” ત્રણ ઇજાગ્રસ્તોમાં, બાબુન્દ્ર કુમાર અને રામસરેનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું જ્યારે ત્રીજા ઘાયલ, શ્રીનાથ સોરેન (૨૮), પશ્ચિમ બંગાળના વતની, હજુ પણ સફદરજંગ એન્ક્‌લેવની ડીયોસ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. અધિકારીએ કહ્યું કે તેઓએ ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ એફઆઈઆર નોંધી છે અને સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે. રામસરેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે અને તેનો મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો છે. અધિકારીએ ઉમેર્યું હતું કે તપાસ ચાલુ છે. આ વર્ષે ઑગસ્ટમાં કેન્દ્ર સરકાર દ્વારા શેર કરાયેલ ડેટા મુજબ, ૨૦૧૪થી ગટર અને સેપ્ટિક ટાંકીઓ સાફ કરતી વખતે ૪૫૩ જેટલા લોકો મૃત્યુ પામ્યા છે, તેમ છતાં ભારતના ૭૬૬માંથી ૭૩૨ જિલ્લાઓએ પોતાને માણસો દ્વારા ગટર સફાઈથી મુક્ત જાહેર કર્યા છે. આ પ્રગતિને કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ રાજ્ય મંત્રી રામદાસ આઠવલેએ લોકસભામાં એક લેખિત જવાબમાં પ્રકાશિત કરી હતી. ૨૦૨૨માં દિલ્હીમાં સાત, ૨૦૨૧માં બે, ૨૦૨૦માં ત્રણ, ૨૦૧૯માં બે લોકોના મોત ગટર સફાઈ કરતાં થયાં હતા.