(સંવાદદાતા દ્વારા)
વડોદરા, તા.૧૩
સુરતથી કપડાના કાર્ટુન ભરી કાનપુર જવા નિકળેલ ટ્રક ચાલક અને ક્લીનરને શહેર નજીક હાલોલ ટોલનાકા પાસે અન્ય ટ્રકમાં આવેલા સાત જેટલાં અજાણ્યા ધાડપાડુઓ લુંટ ચલાવી ફરાર થઈ ગયા હતાં. ટ્રક ચાલક અને ક્લીનરને નડિયાદ, ખેડા રોડ પર ઉતારી દીધા હતાં. રૂપિયા ૬૦.૯૧ લાખનો માલઅને ૨૦ લાખની ટ્રક લુંટી ફરાર થઈ ગયેલ ધાડપાડુ ટોળકી સામે ટ્રક ચાલકે હરણી પોલીસમથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત થતી વિગતો અનુસાર ઉત્તરપ્રદેશનાં જીલોન જીલ્લાનાં કાલપી તાલુકાનાં પીઠવપુર ગામે રહેતાં દિલિપસિંગ કૈલાસસિંગ ક્ષત્રિય અને ક્લિનર સુરતથી સાડીઓ તેમજ સલવાર શુટનાં ૨૫૨ કાર્ટુન ભરી ટ્રક લઈ કાનપુર જવા નિકળ્યા હતાં. તેમની ટ્રક મંગળવારનાં રોજ સવારે સવા ત્રણ વાગ્યાનાસુમારે તેઓ ગોલ્ડન ચોકડીથી હાલોલ તરફ જઈ રહ્યા હતાં તે વખતે અન્ય ટ્રકમા સાત જેટલા ૩૦ થી ૪૫ વર્ષની આશરાનાં અજાણ્યા ધાડપાડુઓએ પણ ટ્રકને ઓવરટેક કરી હતી. જેથી દિલિપસિંહે પોતાની ટ્રક ઉભી રાખતાં આ અજાણ્યા ધાડપાડુઓ તેમની ટ્રકમાં ચઢી ગયા હતાં અને ટ્રકનું સ્ટેરીંગ પોતાના કબજામાં લઈ લીધુ હતું. દિલિપસિંહ અને તેના ક્લીનરને માર મારી બાજુમાં કેબીનમાં બેસાડી દીધા હતાં. બંને જણાંને આ ધાડપાડુઓએ નડિયાદ ખેડા રોડ ઉપર ઉતારી દઈ રૂપિયા ૬૦.૯૧ લાખનાં સાડીઓ અને સલવાર શુટનો માલ અને ૨૦ લાખની ટ્રક લુંટી ફરાર થઈ ગયા હતાં. આજે દિલિપસિંહે હરણી પોલીસમથકમાં આ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યાધાડપાડુઓ સામે ધાડનો ગુનો નોંધી પો.ઈ. જી.એ.પટેલે તપાસ હાથ ધરી હતી.