(સંવાદદાતા દ્વારા) ટંકારીઆ, તા.ર૦
ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે પારખેત રોડ પર આવેલા ઝમઝમ પાર્ક માં રહેતા મૂળ કાવી ગામના જુનેદ અબ્બાસ અમેરિકન કે જેઓ સીતપોણ શાળામાં શિક્ષક છે. તેઓના ઘરે ચોરી થયાનો બનાવ બનતા ચકચાર ફેલાઈ છે.
મૂળ કાવી ગામના વતની અને ટંકારીયાના ઝમઝમ પાર્કમાં રહેતા જુનેદ અબ્બાસ અમેરિકન દિવાળીનું વેકેશન પડ્યું હોય પોતાના માદરે વતન કાવી ખાતે ગયા હતા. તે દરમ્યાન તેમના રહેણાંકમાં તારીખ ૦૪/૧૧/૨૦૨૦ના સાંજે ૪ઃ૩૦ કલાકથી ૧૭/૧૧/૨૦૨૦ના રાત્રીના ૧૦ કલાક દરમ્યાન કોઈ પણ સમયે કોઈ અજાણ્યા ચોર ઈસમોએ રહેણાંકના મકાનના બીજા માળે આવેલ દાદર પરના દરવાજાની સ્ટોપર તોડી ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ કરી ઘરના ગ્રાઉન્ડ ફ્લોર તથા પ્રથમ માળે રાખેલ તિજોરીના અંદરના ડ્રોઅરને મારેલા તાળાં તોડી તિજોરી તેમજ ગલ્લાઓમાં મુકેલ રોકડા રૂપિયા એક લાખ અઠ્ઠાણું હજાર તેમજ સોના ચાંદીના દાગીના કે જેની આશરે કિંમત રૂપિયા ચાર લાખ છવ્વીસ હજાર મળી કુલ રૂપિયા ૬,૨૬,૦૦૦ની ચોરી કરી પલાયન થઇ ગયા હતા.
બનાવની જાણ પાલેજ પોલીસ સ્ટેશનમાં થતા પાલેજના પી.એસ.આઈ. બી. પી.રજ્યા તથા તેમની કુમક ઘટના સ્થળે દોડી આવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને ગુનાવાળી જગ્યા પર એફ. એસ. એલ. તથા ડોગ સ્કોવોડની મદદ પણ લેવામાં આવી હતી. પોલીસ ગુનાના સ્થળની પાસેના સી.સી.ટી.વી. કેમેરાની પણ મદદ લઇ ગુનેહગારોના મૂળ સુધી પહોંચવાની પણ કોશિશ કરે છે તેમ પણ જાણવા મળ્યું છે.