(સંવાદદાતા દ્વારા)
આણંદ, તા. ૨૬
ખાનગી કંપનીઓને બેંકિંગ માટેના લાયસન્સ આપવાના રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના નિર્ણયના વિરોધમાં આજે ટ્રેડ યુનીયનો દ્વારા અપાયેલા રાષ્ટ્રવ્યાપી હડતાળના સમર્થનમાં આણંદ શહેર સહિત જીલ્લાભરમાં વિવિધ રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓ તેમજ એલઆઈસી અને ઈન્કમટેક્ષ કચેરીના કર્મચારીઓ, આશાવર્કરો અને આંગણવાડી વર્કરો હડતાળ ઉપર ઉતરતા બેંકિંગ કામગીરી ઠપ્પ થઈ જવા પામી હતી અને જેને લઈને આજે જિલ્લામાં ૧૦૦ કરોડથી વધુના નાણાંકીય વ્યવહારો ઠપ્પ થઈ ગયા હતા. એલઆઈસી બેંક અને આંગણવાડી તેમજ આશાવર્કરોએ આજે અમુલ ડેરી રોડ ઉપર એલઆઈસી કચેરીના કમ્પાઉન્ડમાં સુત્રોચ્ચાર કરી મોદી મુર્દાબાદના નારાઓ લગાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમજ આજે રાષ્ટીયકૃત બેંકોમાં મોટાભાગની બેંકો જડબેસલાક બંધ રહી હતી. જિલ્લામાં આવેલી ૧પથી વધુ રાષ્ટ્રીયકૃત બેંકોની ૨૭૫થી વધુ શાખાઓના ૨૫૦૦થી વધુ કર્મચારીઓ અને અધિકારીઓ હડતાળમાં જોડાતા બેંકિંગ કામગીરી ઠપ્પ થઈ જવા પામી હતી. એલઆઈસી અને બેંકોના હડતાળ ઉપર ઉતરેલ કર્મચારીઓ અને અધિકારીઓ આણંદ શહેરમાં અમુલ ડેરી રોડ ઉપર મોટી શાક માર્કેટની પાસે આવેલી એલઆઈસી કચેરીના કમ્પાઉન્ડમાં પોતાની માંગણીઓના સમર્થનમાં પ્લે-કાર્ડ પ્રદર્શીત કરી સૂત્રોચ્ચાર કરી મોદી મુર્દાબાદના નારાઓ લગાવી આ અંગે ઓલ ઈન્ડિયા ઈન્સ્યુરન્સ એમ્પ્યોલોઈઝ યુનિયનના નડિયાદ ડિવિઝનના મહામંત્રી પ્રકાશ એમ. મેકવાને જણાવ્યું હતું કે કેન્દ્રની એનડીએ સરકાર ભારત સરકારના કર્મચારીઓ વિરોધી છે. લોક વિરોધી છે તેમજ આ સરકારની ખેડુત વિરોધી આર્થિક નીતિઓ તેમજ પબ્લીક સેક્ટરની સંસ્થાઓનું ખાનગીકરણ કરવાની નીતિના વિરોધમાં અમે આજે હડતાળ ઉપર ઉતરી સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.