ભાવનગર,તા.ર૬
કેન્દ્ર સરકારની રીતિનીતિ સામે આજ રોજ જુદા જુદા ટ્રેડ યુનિયનો દ્વારા રાષ્ટ્રવ્યાપી હડતાલ જાહેર થઈ હતી. જેના ભાગરૂપે ભાવનગર શહેરમાં આવેલા જુદા જુદા યુનિયનો દ્વારા શહેરના પાનવાડી ચોક ખાતે સૂત્રોચ્ચાર અને દેખાવો યોજાયા હતા. આ હડતાલમાં ભારતીય મઝદુર સંઘને બાદ કરતા ૧૦ જેટલા કેન્દ્રીય ટ્રેડ યુનિયનના સભ્યોએ ભાગ લીધો હતો. આ હડતાલમાં નેશનલ ટ્રેડ યુનિયન કોંગ્રેસ, ઓલ ઈન્ડિયા ટ્રેડ યુનિયન, ઈન્ટુક, બેન્કીંગ અને ગ્રામીણ પોસ્ટ ખાતાના કર્મચારીઓ, આંગણવાડીના બહેનો, સહિતના આગેવાન કાર્યકરો આજના દેખાવોમાં જોડાયા હતા. રાષ્ટ્રવ્યાપી હડતાલમાં બેન્ક કર્મચારીઓ પણ જોડાતા બેન્કીંગ વ્યવહાર ખોરવાયો હતો, સૌરાષ્ટ્ર કચ્છના પાંચ હજાર જેટલા કર્મચારીઓ આ હડતાલમાં જોડાયા છે. સરકારની કામદાર વિરોધી નીતિ તેમજ નિર્ણયોના વિરોધમાં રાષ્ટ્રીય ટ્રેડ યુનિયન સહિતના યુનિયનો આજની હડતાલમાં જોડાયા હતા. ભાવનગર શહેર જિલ્લાના યુનિયનો પણ આજની હડતાલમાં જોડાયા હતા, અને શહેરના પાનવાડી ચોક ખાતે બેનરો સાથે દેખાવો યોજાયા હતા. કોરોના મહામારીને ધ્યાને લઈ તમામ કર્મચારીઓએ સોશિયલ ડિસ્ટન્સ જાળવી મોઢે માસ્ક બાંધી દેખાવો કર્યા હતા.