ભાવનગર,તા.૧૦
ભાવનગર જિલ્લા પંચાયતની આઈસીડીએસ શાખા દ્વારા જિલ્લા પંચાયતના સભાગૃહમાં માતા યશોદા એવોર્ડ એનાયત અને સન્માનનો કાર્યક્રમ જિલ્લા પંચાયતના પ્રમુખ વકતુબેન મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી વરૂણકુમાર બરનવાલ, કારોબારી ચેરમેન ભરતભાઈ હડીયા, પ્રોગ્રામ ઓફિસર જે.આર. જેબલિયા, સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયો હતો. સંકલીત બાળવિકાસ સેવા કાર્યક્રમોનું સાર્વત્રિકરણ તથા સમગ્ર ગુજરાત રાજયમાં માતાઓ બાળકો, કિશોરીઓને આ યોજના અંતર્ગત સેવાઓ પુરી પાડવાના આશયથી રાજયના હાલના તમામ તબક્કે કુલ પ૦.રર૬ આંગણવાડી કેન્દ્રો સમગ્ર ગુજરાત રાજયમાં કાર્યરત છે. તેમની સેવાઓને બિરદાવવા અને પ્રોત્સાહિત કરવાના આશયથી આંગણવાડી કાર્યકર અને તેડાગરને પ્રોત્સાહક એવોર્ડ રૂપે દર વર્ષે માતા યશોદા એવોર્ડ એનાયત કરવામાં આવે છે જેના ભાગરૂપે આજે ભાવનગર જિલ્લા પંચાયત કચેરીના સભાગૃહ ખાતે આ કાર્યક્રમમાં વર્ષ ર૦૧૮/ ૧૯ માટે ભાવનગર જિલ્લા કક્ષાએ-ર, આંગણવાડી કાર્યકર/ તેડાગર ઘટકના ગ્રામ્યકક્ષાના-ર૮ આંગણવાડી કાર્યકર-તેડાગર અને નગરપાલિકા કક્ષાએ-૬ આંગણવાડી કાર્યકર/ તેડાગર મળી કુલ ૩૬ આંગણવાડી, કાર્યકર/તેડાગરને યશોદા એવોર્ડ એનાયત કરી સન્માન કરવામાં આવ્યું હતું.