Gujarat

હિંમતનગરના ગામડી પાસે નેશનલ હાઈવે પર વાહનની ટક્કરે વ્યક્તિનું મોત ઉશ્કેરાયેલા લોકોએ હાઈવે બ્લોક કર્યો પોલીસ પર પથ્થરમારો કરી વાનને આગ ચાંપી

ટોળાને વિખેરવા ટીયરગેસના ૧ર૦થી વધુ સેલ છોડાયા : કલાકો સુધી ટ્રાફિમજામ

(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, હિંમતનગર, તા.ર૪
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ગામડી ગામ પાસે આજે સવારે અકસ્માતના બનાવમાં ગામના એક વ્યક્તિનું મોત નીપજ્યા બાદ રોષે ભરાયેલા ગ્રામજનોએ નેશનલ હાઈવે બ્લોક કરી દીધો હતો. બ્લોક ખોલાવવા ગયેલા પોલીસ પર પણ પથ્થરમારો થયો હતો અને પોલીસ વાહન સળગાવી દીધું હતું. જેને લઈને જિલ્લાનો પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયું હતું અને ટોળાને વિખેરવા ૧૨૦થી વધારે ટિયરગેસના શેલ છોડ્યા હતા. આ અંગેની પ્રાપ્ત વિગત એવી છે કે, હિંમતનગરના ગામડી પાસે શુક્રવારે સવારે દૂધ ભરાવવા જતા એક ગ્રામજનનું વાહનની ટક્કરે અકસ્માતમાં મોત થયું હતું. ત્યારબાદ રોષે ભરાયેલા ગ્રામજનોએ નેશનલ હાઈવે નં-૪૮ બ્લોક કર્યો હતો. જોત જોતામાં ગામડીથી હિંમતનગર તરફ અને ગામડીથી ગાંભોઈ તરફ વાહનોની લાંબી લાઈનો લાગી હતી. જેને લઈને પોલીસ સ્થળ પર પહોંચી હતી જ્યાં રોષે ભરાયેલો ટોળું વિફર્યો હતો અને પોલીસ વાહન ટોળાએ સળગાવી દીધું હતું. ટોળું આક્રમક બન્યું હતું જેને લઈને જિલ્લા પોલીસ વડા, ડીવાયએસપી, એલસીબી, એસઓજી સહિત જિલ્લાની પોલીસ પહોંચી રહી હતી ત્યાં જ પોલીસ પર આ ટોળાએ પથ્થરમારો કર્યો હતો. તો સામે પોલીસે પણ ટોળું વિખેરવા માટે ટીયર ગેસના સેલ છોડ્યા હતા. બનાવને લઈને દોઢ કલાકથી વધુ સમય સુધીનો ટ્રાફિકજામ થયો છે. જેથી નેશનલ હાઈવેનો રૂટ ડાયવર્ટ કરાયો હતો. જેમાં અમદાવાદથી ઉદેયપુર તરફ જતા વાહનોને ગાંભોઈ થઈને તલોદ થઈને મજરા તરફ અને હિંમતનગરથી રણાસણ થઈને ગાંભોઈ થઈને ઉદેયપુર તરફ વૈકલ્પિક માર્ગ પર વાહનો ડાયવર્ટ કરવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે નેશનલ હાઇવે નંબર આઠના નવીનીકરણની કામગીરીએ ત્રણ વર્ષમાં ૬ લોકોનો ભોગ લીધો છે… ત્યારે આજે સવારે હાઇવે ક્રોસ કરીને જતા આધેડને ગામડી હાઇવે પર અજાણ્યા વાહને ટક્કર મારી હતી.. જેમાં તેમનું મોત નીપજ્યું હતું…ગામ લોકો ઉશ્કેરાયા હતા અને ગામ લોકોએ વૃક્ષોની આડસો મૂકી હાઇવે ચક્કાજામ કરી દીધો હતો. લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો અને પોલીસની જીપમાં આગચંપી કરી હતી અને સાથે સાથે પોલીસના અન્ય ત્રણ વાહનોને પણ નુકસાન કરી પોલીસ પર પથ્થર મારો પણ કર્યો હતો અને હાઇવે પર ત્રણ જગ્યાએ ટાયર સગાવવાના બનાવો પણ બન્યા હતા. પરંતુ સમાજના અગ્રણીઓ અને અન્ય લોકો વચ્ચે પડતા છેલ્લે વૃદ્ધની લાશને સ્થાનિક લોકો ઉઠાવવા તૈયાર થયા હતા અને લાશને પીએમ માટે મોકલવામાં આવી હતી. સાડા ત્રણ કલાક બાદ ટ્રાફિકજામ ખુલ્લો કરાયો હતો. આ બનાવ અંગે ગાંભોઈ પોલીસે ફરિયાદો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.