Ahmedabad

અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચતા જ ATSએ તેમની કરી ધરપકડISIS સાથે સંકળાયેલ શ્રીલંકાના ચાર શંકાસ્પદ આતંકવાદીઓને ઝડપી લેવાયા

ATSના ડીવાયએસપીને ૧૮ મેએ બાતમી મળી ત્યારથી એક્શન મોડમાં હતા; જુદી-જુદી ટીમો ગોઠવી દેવાઈ હતી

ભારતમાં કોઈ સ્થળે આતંકવાદી કૃત્યને અંજામ આપવાના કાવતરાને ATSએ નિષ્ફળ બનાવ્યો

(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૨૦
રાજ્યમાં ઘણા લાંબા સમય બાદ શંકાસ્પદ આતંકવાદી ઝડપાવાની વિગતો બહાર આવી છે. પ્રતિબંધિત આતંકવાદી સંગઠન આઈએસ સાથે સંકળાયેલા ચાર શ્રીલંકન નાગરિકોને ગુજરાત એટીએસે અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપી લીધા હતા. આઈએસની કટ્ટર વિચારધારા ધરાવતા આ શખ્સો પાસેથી પોલીસે ત્રણ પિસ્ટલ, એક કાળા કલરનો આઈએસનો ફ્લેગ, ૨૦ રાઉન્ડ વગેરે કબજે કર્યા હતા. આ શંકાસ્પદ આતંકવાદીઓ ભારતમાં કોઈ સ્થળે આતંકવાદી કૃત્યને અંજામ આપવાના કાવતરા સાથે આવ્યા હોવાનું ઉપરાંત બીજેપી, આરએસએસ, યહૂદી અને ખ્રિસ્તીઓને પાઠ ભણાવવા તત્પર હોવાની વિગતો બહાર આવતા પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (એટીએસ)ના ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાયને ૧૮ મે ૨૦૨૪ના રોજ આ અંગે માહિતી મળી હતી. જેમાં મોહમ્મદ નુસરથ, મોહમ્મદ નફરાન, મોહંમદ ફારીસ અને મોહમ્મદ રસદીન (મૂળ શ્રીલંકાના રહેવાસી) પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ (આઈએસ)ના સક્રિય સભ્યો હોવા સહિતની ચોંકાવનારી માહિતી મળી હતી. તે સિવાય આ શંકાસ્પદ આતંકીઓએ આઈએસના નેજા હેઠળ ભારતમાં કોઈ ઠેકાણે આતંકવાદી કૃત્યને અંજામ આપવાનું કાવતરૂ ઘડ્યું હોવાનું પણ જાણવા મળ્યું હતું. આ માટે તેઓ ૧૮ કે ૧૯ મેના રોજ પ્લેન કે ટ્રેન મારફતે અમદાવાદમાં આવવાના હોવાની ચોક્કસ માહિતી પ્રાપ્ત થઈ હતી. આ ચોંકાવનારી માહિતી બાદ ગુજરાત એટીએસ સક્રિય થઈ ગઈ હતી. બાદમાં અધઘિકારીઓએ વિવિધ ફ્લાઈટ્‌સ અને મેનીફેસ્ટો અંગેની વિસ્તૃત માહિતી એકઠી કરીને તપાસ શરૂ કરી હતી. જેમાં આ ચારેય શ્રીલંકન નાગરિકોની ટિકિટ એક જ પીએનઆર પર બુક કરવામાં આવી હોવાનું ખુલ્યું હતું. આ શખ્સો કોલંબોથી વાયા ચેન્નાઈ થઈ અમદાવાદની ફ્લાઈટની ટિકિટ બુક કરાવી હતી. પોલીસે તેમના બોર્ડિંગ અંગે તપાસ કરતા જણાયું હતું કે, આ ચારેય શખ્સો ૧૯ મે ૨૦૨૪ના રોજ કોલંબોથી ચેન્નાઈ એરપોર્ટ પર આવ્યા હતા અને ચેન્નાઈથી ઈન્ડીગો ફ્લાઈટ નંબર ૬ઈ ૮૪૮માં અમદાવાદ એરપોર્ટ પર આવવા રવાના થઈ ચૂક્યા છે અને ૧૯ મેના રોજ રાત્રે ૮ઃ૧૦ વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર ઉતરવાના છે.આ માહિતીને આધારે એટીએસના એસપી કે સિદ્ધાર્થ, કે.કે.પટેલ, હર્ષ ઉપાધ્યાય અને એસ.એલ.ચૌધરીના નેતૃત્વ હેઠળની ટીમો એરપોર્ટ પર ગોઠવાઈ ગઈ હતી. જેમાં ચારેય શખ્સો એરપોર્ટ પર આવતા જ પોલીસે તેમની ધરપકડ કરીને પૂછપરછ માટે એટીએસ ઓફિસ લઈ ગયા હતા. ચારેય શંકાસ્પદ આતંકવાદી અંગ્રેજી કે હિન્દી ભાષા બરાબર જાણતા ન હોવાથી પોલીસે તમિલ ભાષાના જાણકારને સાથે રાખીને તેમની પૂછપરછ કરી હતી. જેમાં તેમના પુરા નામ શ્રીલંકાના રહમાનાબાદના મોહમ્મદ નુશરથ અહેમદ ગની (૩૩). કોલંબોના મોહમ્મદ નફરાન નૌફેર (૨૭), કોલંબોના મોહમ્મદ ફારીસ મોહમ્મદ ફારૂક, (૩૫) અને કોલંબોના મોહમ્મદ રસદીન અબ્દુલ રહીમ (૪૩) જાણવા મળ્યા હતા. પોલીસે તેમના સામાનની તપાસ કરતા મોહમ્મદ નુસરથ પાસેના મોબાઈલમાંથી આઈએસમાં જોડાવા માટે હીજરા કરવા, અબુ બકર બગદાદી દ્વારા દર્શાવેલા માર્ગ પર ચાલવા તથા યહૂદી, ખ્રિસ્તી, બીજેપી અને આરએસએસના સભ્યોને પાઠ ભણાવવા ઉપરાંત મુસ્લિમો પર થતા અત્યાચાર સામે હૂમલાખોરોને સબક શીખવાડવા માટે તત્પર હોવાના ચોંકાવનારા પૂરાવા મળ્યા હતા. આ સિવાય શખ્સો દ્વારા ઉપયોગમાં લેવાતી પ્રોટોન ડ્રાઈવમાંથી ૫ ફોટોગ્રાફ પણ મળી આવ્યા હતા. જેમાં પાણીની કેનાલ, મોટા પથ્થરોની નીચે બકોલમાં ગુલાબી કલરના પાર્સલમાં રાખવામાં આવેલી કોઈ વસ્તુ, બ્રાઉન સેલોટેપ વીંટાળેલું ગુલાબી કલરનું પાર્સલ, જંડાના ગોળ સર્કલમાં અરબી ભાષામાં લખેલું લખાણ તથા તેની બાજુમાં ગોઠવેલ ૩ પિસ્ટલ આકારના પાર્સલ તથા લોડેડ મેગેઝીનવાળી ૩ પિસ્ટલ મળી આવી હતી. તે સિવાય આ શખ્સો દ્વારા ઉપયોગમાં લેવાયેલ પ્રોટોન મેઈલમાં એક સેલ્ફ ઈમેલ મળી આવ્યો હતો જેમાં કોઈ જગ્યાના જીઓ કોઓર્ડિનેટ્‌સ લખેલું હતું. પોલીસે તેમની પૂછપરછ કરતા તેઓ આઈએસના સક્રિય સભ્યો હોવાનું તથા અબુ બકર અલ બગદાદીના અનુયાયીઓ હોવાનું જાણવા મળ્યું હતું. તે સિવાય તેમના હેન્ડલર અબુ પાકિસ્તાની હોવાનું પણ જણાયું હતું. આઈએસના હેન્ડલર પાકિસ્તાની અબુએ તેમને હથિયારોના ફોટા તથા હથિયારો જે ઠેકાણે છુપાવ્યા છે તે જગ્યાના ફોટા તથા લોકેશન પ્રોટોન ડ્રાઈવ તથા પ્રોટોન મેઈલ પર શેર કરશે અને તે ઠેકાણેથી હથિયારો મેળવી લેવા જણાવ્યું હતું. આ શસ્ત્રોનો ઉપયોગ કઈ જગ્યા તથા કયા ટ્ર્રાગેટ પર કરવાનો છે તેની જાણ બાદમાં કરવામાં આવશે. એમ તેમને કહેવામાં આવ્યું હતું. જેને આધારે પોલીસે જીઓ કોઓર્ડિનેટ્‌સમાં સર્ચ કરતા એક ગુલાબી કલરના પાર્સલમાંથી ૩ પિસ્ટલ અને કાળા કલરનો એક ફ્લેગ મળી આવ્યો હતો. ત્રણેય પિસ્ટલ પર સ્ટારનું નિશાન છે અને તેની પરના નંબર ઈરાદાપૂર્વક ભૂંસી નાખવામાં આવેલા હતા. ત્રણેય પિસ્ટલમાંથી પોલીસે કુલ ૨૦ રાઉન્ડ કબજે કર્યા હતા. જેની પર FATA લખેલું હતું. પ્રાથમિક તપાસમાં આ ૩ પિસ્ટલ એડમિનિસ્ટર્ડ ટ્રાઈબલ એરિયા(FATA)માં તૈયાર થઈ હોવાનું જણાયું હતું. જ્યારે ફ્લેટ ઈસ્લામિક સ્ટેટનો હોવાનું જણાયું હતું. ધરપકડ કરાયેલા પૈકી મોહમ્મદ નુસરથ પાસે પાકિસ્તાનના વેલીડ વિઝા પણ છે.પોલીસે ચારેય શંકાસ્પદ આતંકવાદીઓના શસ્ત્રો તથા ફોનમાંથી મળેલા પૂરાવા અંગે પૂછતા તેમણે અગાઉ રેડીકલ મિલિટન્ટ નેશનલ તૌહીથ જમાત (દ્ગ્‌ત્ન)ના સભ્યો હતા એમ પણ કહ્યું હતું. જેને શ્રીલંકન સરકારે ઈસ્ટર બોમ્બિંગ બાદ એપ્રિલ ૨૦૧૯માં પ્રતિબંધિત જાહેર કર્યું હતું. ફેબ્રુઆરી ૨૦૨૪માં તેઓ આઈએસ હેન્ડલર અબુના સંપર્કમાં આવ્યા હતા. જેની પ્રેરણાથી આતંકવાદી સંગઠ્ઠન આઈએસના સભ્ય બન્યા હતા. આ માટે તેમણે શપથ પણ લીધા હતા અને અબુના કહેવાથી અમદાવાદ આવ્યા હોવાનું જણાવ્યું હતું. અબુના ઈશારે તેઓ ભારતમાં કોઈ ઠેકાણે આતંકવાદી હૂમલાને અંજામ આપવાના હતા. જેના માટે અબુએ તેમને રૂા.૪,૦૦,૦૦૦ શ્રીલંકન કરન્સી આપી હતી. તે સિવાય આ હથિયારો આતંકવાદી હૂમલા માટે મોકલાવ્યા હોવાનું પણ કહ્યું હતું. આ ચારેય શંકાસ્પદ આતંકવાદીઓ તેમના પાકિસ્તાની હેન્ડલરને સ્યુસાઈડ બોમ્બર તરીકે જેહાદની રાહમાં શહીદ થવાની તૈયારી હોવાનું પણ જણાવ્યું હતું. આ શખ્સો પાસેથી મળેલા પુરાવા તથા અન્ય વસ્તુઓને પગલે તેમની વિરૂદ્ધ અનલોફૂલ એક્ટીવીટીઝ પ્રિવેન્શન એક્ટ (UAPA), ૧૯૬૭ની કલમ ૧૮ તથા ૩૮, આર્મ્સ એક્ટની કલમ ૨૫(૧-B)(A)(F) તેમજ આઈપીએસની કલમ ૧૨૦(મ્), ૧૨૧ (A) હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Related posts
AhmedabadNational

રતન તાતાના મૃત્યુના સમાચારથી મુંબઈ, અમદાવાદમાંગરબા કાર્યક્રમો અટકાવી દેવાયા હતા

(એજન્સી) તા.૧૦દિગ્ગજ ઉદ્યોગપતિ રતન…
Read more
AhmedabadCrime

બાળકોના રમકડાંમાં નશાના સામાનની ડિલિવરી ધો.૧૦-૧રના છાત્રો મંગાવતા હોવાનો ઘટસ્ફોટ !

અમેરિકાથી અમદાવાદ આવેલ પાર્સલોમાં…
Read more
AhmedabadGujarat

વૃક્ષો જ નહીં હોય ત્યાં તીવ્ર ગરમીમાં ક્યાં જઈશું ?

રાજ્યમાં હાલ તીવ્ર ગરમીનો માહોલ છે.
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.