(એજન્સી) તા.૨૪
ઉત્તરપ્રદેશની રાજધાની લખનૌમાં ફૂડ ડિલિવરી બોય પર ક્રૂરતા પૂર્વક હુમલો કરવાનો મામલો સામે આવ્યો છે. આ ડિલિવરી બોયને માર મારવામાં આવ્યો કારણ કે તે મુસ્લિમ સમુદાયનો હતો. આ ઘટના લખનૌના ગોમતીનગર પોલીસ સ્ટેશન વિસ્તારના વિનીત સેક્શનમાં બની હતી. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી, કેસની તપાસ કરી અને એક આરોપીની ધરપકડ કરી. પોલીસે આરોપીઓ વિરૂદ્ધ હુમલો અને મુસ્લિમ સમુદાય વિરૂદ્ધ નફરત ફેલાવવાના આરોપમાં કેસ નોંધ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના ૨૧ ઓગસ્ટની બપોરે બની હતી. ZOmatoના ફૂડ ડિલિવરી બોય મોહમ્મદ અસલમે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તેણે જણાવ્યું કે ઓર્ડર મુજબ તે ગોમતીનગર પોલીસ સ્ટેશન વિસ્તારના એક ઘરે ડિલિવરી માટે ગયો હતો. એ ઘરમાં ૪ લોકો હતા. આ લોકોએ પહેલા તેને તેનું નામ પૂછ્યું અને તેણે પોતાનું નામ જણાવતા જ આરોપીઓએ તેને મારવાનું શરૂ કરી દીધું. આટલું જ નહીં, આરોપીઓએ તેના પર ગરમ પાણી રેડવાની ધમકી આપીને તેને બંધક બનાવી લીધો હતો. આ પછી આરોપીઓએ તેને ઘણી જગ્યાએ સિગારેટથી સળગાવી દીધો. તેના ચહેરા પર દારૂ ફેંકવામાં આવ્યો હતો. આરોપીઓની ચુંગાલમાંથી છૂટ્યા બાદ આરોપી પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો અને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. અમીનાબાદ મૌલવીગંજમાં રહેતા પીડિત મોહમ્મદ અસલમે જણાવ્યું કે આ ઘટના રક્ષાબંધનની રાત્રે બની હતી. તે દિવસે આરોપીએ ૨૦ રોટલી મંગાવી હતી. જ્યારે તે રોટલી લઈને આપેલા સરનામે પહોંચ્યો ત્યારે આરોપીએ તેને પહેલા બીજા માળે બોલાવ્યો, જ્યાં તેનું નામ પૂછીને તેની સાથે દુર્વ્યવહાર કર્યો.