(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨૧
શહેરના અલથાણ ખાતે આવેલ ગાર્ડન ખાતે આજે સવારે પ્રેમી પંખીડા ઝેરી દવા પીધેલી હાલતમાં મળી આવતા બંનેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પરિણીત પુરુષની હાલત ગંભીર છે, મહિલાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હોવાનું જાણવા મળે છે.
મળતી માહિતી મુજબ લાલદરવાજા ખાતે રહેતો દિપેશ ગોપાલ સોલંકી માતા, પત્ની અને ચાર સંતાનોના પરિવાર સાથે રહે છે. તેમજ આયુષ હોસ્પિટલમાં સફાઈ કામદાર તરીકે કામ કરે છે. ગતરોજ દિપેશ ઘરેથી નવા કપડા પહેરી મિત્રના જન્મ દિવસમાં જાઉં છું તેમ કહી નીકળ્યો હતો. જે પાછો ઘરે આવ્યો નથી. તે દરમ્યાન આજે પોલીસે દિપેશના પરિવારને જાણ કરી કે તે મહિલા સાથે અલથાણ ગાર્ડનમાં ઝેરી દવા પીધેલી હાલતમાં મળી આવ્યો છે. જેને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. દિપેશના પરિવારજનોએ પોલીસને જણાવ્યું હતું કે દિપેશ તેજલ નામની મહિલા પાછળ રૂપિયા ખર્ચતો હતો છેલ્લા પાંચ મહિનાથી ઘરે પગાર આપતો ન હતો. થોડા દિવસ પહેલા પત્નીએ દિપેશ અને તેની પ્રેમિકાને રંગેહાથ ઝડપી લીધો હતો. ત્યારબાદ દિપેશે આ બધુ છોડી દેવાની ખાત્રી આપી હતી અને આજે તે ઝેરી દવા પીધેલી હાલતમાં મળી આવ્યો છે. ઝેરી દવા ગટગટાવનાર મહિલાના હાથ પર તેજલ નામનું ટેટુ છે. જેનું સારવાર દરમ્યાન મોત નિપજતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.