(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨૬
મુંબઇના દંપતીએ મુબઇના દલાલ મારફતે જ સુરતના રિંગરોડ પર કાપડ માર્કેટમાં દુકાન ધરાવતા વેપારીઓનો સંપર્ક કરી રૂબરૂ મુલાકાત કરી પોતે મોટા વેપારી હોવાની ઓળખ આપી વ્યવહાર કરી સંબંધ બનાવી દોઢથી બે વર્ષના સમયગાળા દરમિયાન સંખ્યાબંધ વેપારીઓ સાથે સંબંધ બનાવી તમામ વેપારીઓ પાસેથી લાખ્ખો રૂપિયાનો માલ ખરીદી આખરે દંપતી ફરાર થઇ ગયું હતું. કુલ ૬૦થી વધુ વેપારીઓએ ૪.૪૩ કરોડની છેતરપિંડી થયાની ફરિયાદ લખાવતા પોલીસે તપાસ આદરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના પીપલોદ ખાતે રાજહંસ સિનામાની પાછળ મિહિર એન્ક્લેવમાં રહેતા પ્રતિક બીપીનભાઇ સારડા રિંગરોડ પર આવેલ રેશમવાળા માર્કેટની પાછળ ટ્રેડ સેન્ટરમાં પ્રતિક ક્રીએશન નામથી દુકાન ધરાવે છે. ગતરોજ પ્રતિકભાઇ તથા બીજા ૬૦થી વધુ વેપારીઓએ સલાબતપુરા પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, વિકાશ ઉર્ફે વિક્રમ શાંતીલાલ રાઠોડ (બેલા સારીઝ એન. એક્ષ શ્રી ગજાનન સારીઝના માલિક – ઓથોપાઇઝ સીગ્નેટરી ઠે – દુકાન નંબર ૨ સીલ્વર નીસ્ટ એપાર્ટમેન્ટ લાયન્સ હોસ્પિટલ ડી માર્ડ પાસે ખૈરાણ સેક્ટર – ૧૫ વશઇ નવી મુંબઇ અને તેની પત્ની પુજા વિકાશ ઉર્ફે વિક્રમ શાંતિલાલ રાઠોડની પત્નિ અને શાંતિલાલ પુખરાજ રાઠોડ (રહે. રૂમ નં. ૩૧ એમ. ડી. બિલ્ડીંગ એસ. સી. જાળવે માર્ગ કબુતર ખાણા પાસે દાદર (મુંબઇ) એ ભેગા મળી દોઢથી બે વર્ષમાં તેઓની સાથે સંબંધ બનાવી અલગ અલગ સમયે લાખ્ખો રૂપિયાનો માલ મંગાવી વિશ્વાસ સંપાદન કર્યો હતો. બાદમાં વેપારીઓ પાસેથી વારંવાર મુંબઇ માલ મંગાવી સમયસર પૈસા ચૂકવી દેતા હતા. જોકેબાદમાં વધારે માલ મંગાવી પૈસા આપવાની મુદ્દત પણ વધારી દીધી હતી. છેલ્લા એક વર્ષમાં અવારનવાર વેપારીઓ પાસે માલ મંગાવી પૈસા નહી ચૂકવી ફોન પણ બંધ કરી દીધો હતો. જેથી સુરતના વેપારીઓએ મુંબઇમાં જઇ તપાસ કરતા દંપતી દુકાન ખાલી કરી જતા રહ્યા હોવાનું માલુમ પડ્યું હતું.