ખંભાળિયા, તા.૪
ખંભાળિયા નજીક સલાયાના દરિયાકાંઠેથી ગઈકાલે એક માછીમારનો મૃતદેહ સાંપડ્યો છે.
આ મૃતદેહ પર રહેલા કપડાંમાંથી કેટલાક કાગળો સાંપડ્યા હતા. જેની પોલીસે ચકાસણી કરતા મૃતકનું નામ હિતેશભાઈ લાલજીભાઈ બારિયા (ઉ.વ.૩૯) અને આ યુવાન ઉનાના નવા બંદરના રહેવાસી હોવાનું તેમજ હાલમાં દ્વારકાના રૂપેણ બંદર પર વસવાટ કરતા હોવાનું ખૂલ્યું હતું. સલાયા પોલીસે દ્વારકા પોલીસના સંપર્કમાં રહી તપાસ કરાવતા હિતેશભાઈ ત્રણેક દિવસ પહેલાં એક બોટમાં માછીમારી માટે રૂપેણ બંદર પરથી રવાના થયા પછી ગુમ હોવાનું જાણવા મળ્યું હતું. આ યુવાનનો મૃતદેહ સલાયાના દરિયાકાંઠે કેવી રીતે આવ્યો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી મૃતદેહનું પીએમ કરાવ્યું છે અને મૃતકના પરિવારજનોને જાણ કરી છે.