જામનગર, તા.૪
કાનાલુસ નજીક રિલાયન્સ કંપનીની લેબર કોલોનીમાં અન્યના નામનો ગેઈટ પાસ એક શખ્સે મેળવ્યા પછી લેબર કોલોનીમાં પ્રવેશ મેળવ્યો હતો અને આ શખ્સને અન્ય શખ્સને આસરો આપ્યો હતો. જેની જાણ થતાં એક ઈજનેરે ત્રણ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
લાલપુર તાલુકાના કાનાલુસ નજીક ઊભી કરવામાં આવેલી રિલાયન્સ કંપનીની આઠ નંબરની લેબર કોલોનીમાં શનિવારે ગેઈટ પર અનિલ કેશવજીભાઈ વરણ પોતાની ફરજ પર હતાં તે દરમ્યાન મૂળ બિહારના ચંપારણ જિલ્લાના વતની ઓરેસ અહમદ ચાંદબારવા નામના શખ્સે લેબર કોલોનીમાં રહેતા મુખ્તારખાન ઝહીરઆલમખાનના ગેઈટ પાસ પર પ્રવેશ મેળવ્યો હોવાની તેઓને જાણ થઈ હતી.
બીજાના ગેઈટ પાસ પર ગેરકાયદે પ્રવેશ મેળવનાર ઓવેસને લેબર કોલોનીના રૃમ નં. ૩૮/૮માં રહેતા અઝહરૃદીન સીદીકી નામના શખ્સે પોતાના રહેણાકમાં આશરો આપ્યો હતો. તે બાબતની અનિલભાઈને જાણ થતાં તેઓએ મેઘપર પોલીસ સ્ટેશનમાં ઓવેસ, અઝહરૃદીન તેમજ મુખ્તારખાન સામે આઈપીસી ૪૪૭, ૧૧૪ હેઠળ ગુન્હો નોંધ્યો છે. પોલીસે અનઅધિકૃત રીતે લેબર કોલોનીમાં પ્રવેશેલા શખ્સ અને તેના બે સાગરિતોની ધરપકડ કરી તપાસનો ધમધમાટ શરૃ કર્યો છે.