અમરેલી, તા.૪
અમરેલી નગરપાલિકા દ્વારા ચિતલ રોડ ઉપર ચાલી રહેલ બ્યુટીફીકેશન કામમાં તેમજ નગરપાલિકાની બની રહેલ નવી બિલ્ડિંગનાં કામમાં ભ્રસ્ટાચાર થતો હોવાના આક્ષેપ સાથે સદસ્ય ઇકબાલ બિલખિયાએ લાઠી બાબરા કોંગ્રેસના ધારાસભ્ય ઠુંમર દ્વારા પ્રાદેશિક કમિશનર નગરપાલિકા કચેરી ભાવનગરને લેખિતમાં ફરિયાદ કરી આ કોન્ટ્રાક્ટના સંચાલકોને બિલનું ચૂકવણું થયેલ હોઈ તો તેને બ્લેકલિસ્ટમાં મૂકી આ અંગે તપાસ કરવા માગણી કરતા ખળભળાટ મચેલ છે.
અમરેલી નગરપલિકાના કોંગ્રેસના સદસ્ય ઇકબાલભાઇ બિલખિયા દ્વારા નગરપાલિકા હસ્તક ચિતલ રોડ ઉપર થઇ રહેલ બ્યુટીફીકેશન કામોમાં કોન્ટ્રાકટ એજન્સીના સંચાલક દલસુખ પાનસેરિયા, તેમજ ગ્રીટ, કપચી, મોરમ પાથરવાના કોન્ટ્રાક્ટમાં મારૂતિ એન્ટરપ્રાઇઝ અને નગરપલિકાના નવી બિલ્ડિંગના થઇ રહેલ બાંધકામમાં ભ્રષ્ટચાર થઇ રહેલ હોવાનો આક્ષેપ કરતા આ બાબતે તેમણે લાઠી બાબરાના કોંગ્રેસના ધારાસભ્ય વીરજીભાઈ ઠુંમરને જાણ કરી તેમના દ્વારા આ કોન્ટ્રાક્ટમાં થયેલ બિલના ચૂકવણા અંગે વસુલાત કરવામાં આવે અને ભ્રષ્ટાચાર થયેલ છે તેની તપાસ કરવામાં આવે તેવી પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરી ભાવનગરને લેખિતમાં ઇકબાલ બિલખિયા વતી ફરિયાદ કરી નગરપાલિકના શાખા અધિકારી, બાંધકામ એન્જિનિયર, ઇન્ટરનલ ઓડિટર, એકાઉન્ટ, ચીફ ઓફિસર અને પ્રમુખ સહીતનાઓની જવાબદારીઓ નક્કી કરી એજન્સીઓ પાસેથી વસુલાત કરવામાં આવે અને શિક્ષાત્મક પગલાં ભરવામાં આવે અને આવી એજન્સી અને સંચાલકોને બ્લેક લિસ્ટમાં મૂકવામાં આવે તેવી માગણી કરી હતી.