(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૧
અમેરીકા નાસામાં વૈજ્ઞાનિક તરીકે રહેલા અને ત્યાંથી કમાઇને આવેલા રૂપિયા ટ્રસ્ટ થકી સેવાકીય પ્રવૃત્તિમાં દાન કરવા માટે ટ્રસ્ટ બનાવવા સુરત આસિ. ચેરિટી કમિશનર ખાતે ખુદ મહાત્મા ગાંધીજીના પૌત્રવધુ શિવાબેન ગાંધીને ૯ર વર્ષની ઉંમરે પણ બીજા માળ સુધી ચઢવાની ફરજ ચેરિટી કમિશ્નર કચેરીના બાબુઓએ પાડતા લોકોમાં તર્કવિતર્ક ચર્ચાઈ રહ્યા છે.
આ અંગે પરિમલભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધીજીના પૌત્ર કનુભાઇ ગાંધી દ્વારા સ્થાપાયેલા ચેરીટી ટ્રસ્ટની કામગીરી તેમની પત્ની શિવાબેન ગાંધી દ્વારા સેવાકિય પ્રવૃત્તિ કાર્યરત છે. અમેરિકા ખાતે નાસામાં વૈજ્ઞાનિક તરીકે કાર્યકાળ દરમિયાન કમાયેલા રૂપિયા તેઓ દિવ્યાંગો માટે સ્થાપાયેલા ચેરિટી ટ્રસ્ટમાં આપી સેવા કાર્યને સમર્પિત કરનાર છે, અને તે માટે ટ્રસ્ટદીઠ માટે ટ્રસ્ટનું સેવાકાર્ય સંભાળતાં પરિમલભાઇ દેસાઇએ આ માટે નાનપુરા બહુમાળી બી.બિલ્ડિંગ ખાતે સ્થિત આસિ. ચેરીટી કમિશનરની ઓફિસમાં પાછલાં ત્રણ ચાર મહિનાથી વારંવાર ધક્કા ખાતા આવ્યા છતાએ તેમનું નામ થયું ન હતું અને તેમના કહેવા અનુસાર આસિ. ચેરીટી કમિશનરએ તેમની સાથે ઉદ્ધતનવર્તન કરી જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધીજીના વંશો ક્યારે તેમનું નામ વટાવતાં નથી અને જો ટ્રસ્ટ બનાવવું હોય તો જાતે અહિંયા આવો જેવા જવાબો સાંભળી આ બાબતની જાણ પરિમલભાઇએ ગાંધીજીના પૌત્રવધુ શિવાબેનને કહેતા તેઓ આજે સવારે ૯૨ વર્ષની ઉંમરે સુરત આસિ. કમિ.ની ઓફિસ સ્વયંભુ હાજર રહી ટ્રસ્ટ દીઢનું કામ કરવા આવ્યા હોવાથી લોકો ભેગા થઇ ગયા હતા. લોકોમાં ગણગણાટ હતો કે, આસિ. ચેરીટી કમિશનર કાયમ વિવાદમાં જ રહે છે, પૈસા લીધા વગર કામ થતું જ નથી, કોઇની શેહ-શરમ રાખ્યા વગર સરકારી બાબુઓ કતારમાં ઊભા રાખી ધક્કે ચઢાવી રહ્યાં છે અને જ્યાં સુધી પૈસા આપો નહીં ત્યાં સુધી આ ઓફિસમાં કામ થતું નથી તેવું હાજર લોકો જણાવી રહ્યા હતા.
ઉપરોક્ત બનાવ બાબતે સુરત આસિ. ચેરીટી કમિશનર આર.વી.પટેલે ટેલિફોનિક બાબતે પુચ્છા કરતાં તેમણે સ્પષ્ટ જણાવી દીધું હતું કે આ બાબતે હું ટેલિફોનિકમાં કોઇ વાત કરવા માંગતો નથી, ઓફિસે આવી રૂબરૂ વાત કરો.