(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨૬
વીર નર્મદ યુનિવર્સિટી ખાતે ૫૧માં પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ યુનિવર્સિટી કન્વેન્શન હોલ ખાતે યોજાયો હતો. જેમાં મુખ્ય અતિથિ પૂર્વ ક્રિકેટર કપિલ દેવ હાજર રહ્યા હતા અને વિદ્યાર્થીઓને પદવી આપવામાં આવી હતી.
૫૧માં કોન્વોકેશનમાં કુલ ૩૨,૩૩૦ ડિગ્રી આપવામાં આવી હતી. જેમાં ફકત ગયા વર્ષે પાસ થનાર વિદ્યાર્થી નહીં પણ આગલા વર્ષના જે પણ વિદ્યાર્થીને ડિગ્રી મળવાની બાકી હોય તેવા વિદ્યાર્થીઓને પણ ડિગ્રી આપવામાં આવી હતી. સાથે વિવિધ વિષયમાં રેન્ક મેળવનાર અને વધુમાં વધુ ગુણ મેળવનાર ૧૫૧ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અને રોકડ ઈનામ આપવામાં આવ્યું હતું. જેમાં ૮૧ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ તેમજ ૭૦ વિદ્યાર્થીઓને રોકડ ઈનામ આપવામાં આવ્યું હતું. ૫૧માં પદવીદાન સમારોહમાં મુખ્ય અતિથિ પૂર્વ ક્રિકેટર કપિલ દેવ અને કવિ રાજેશ રેડ્ડી હાજર રહ્યા હતા. કપિલ દેવે વિદ્યાર્થીઓને ટીપ્સ આપતા જણાવ્યું હતું કે, રમતમાં અને ભણતરમાં મજા ન આવે તો એ મૂકી દેવું જોઈએ, પેશનને ફોલો કરો. હંમેશા ઓરીજનલ રહો, કોપી નહીં કરો. મહેનત અને પ્લાનિંગ સાથે આગળ વધો. માતાપિતા કરતા બીજું કોઇ તમારું સારું નહીં વિચારી શકે એટલે માતાપિતા સામે હંમેશા મિત્રતા રાખીને ભવિષ્ય બનાવો. ડો.કલ્પેશ પટેલને ઈફેક્ટીવનેસ ઓફ ક્લાસરૂમ કોમ્યુનિકેશન સ્કીલ ઇન ઈંગ્લીશ લેન્ગવેજ પ્રોગ્રામ ફોર પ્રિ-સર્વિસ ટીચર્સ થ્રુ ગુગલ ક્લાસ જેવા આધુનિક વિષય પર ગહન સંશોધન કરવા બદલ પી.એચ.ડી. ઇન એજ્યુકેશન ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. દીક્ષિતાબેન પટેલે માસ્ટર ઓફ આર્ટસનો અભ્યાસ કરી ગોલ્ડ મેડલ અને પારિતોષિક પ્રાપ્ત કર્યું છે. દીક્ષિતા પારડી ગામમાં માતા પિતા સાથે રહે છે. તેમના પિતા ખેડૂત છે, જ્યારે માતા ઘરકામ કરે છે. આ મેડલ મેળવવા પાછળ માતા પિતા અને પ્રોફેસરોની મહેનત છે એમ કહી ઉમેર્યું કે, હું રોજ કલાકો સુધી અભ્યાસ કરતી. સોશિયલ મીડિયા આજના સમયમા વિદ્યાર્થીઓ માટે અભ્યાસમાં અડચણરૂપ છે. સોશિયલ મીડિયા પર યુવાનો વધારે સમય પસાર કરતા હોય છે. પરતું હું માત્ર જરૂર પૂરતું જ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી હતી તેવું દીક્ષિતાબેનએ જણાવ્યું હતું.
વલસાડના યશ પંડિતે ત્રણ મેડલ તથા પાંચ પારિતોષિક મળી આઠ પુરસ્કાર મેળવ્યા
કપિલ દેવના હસ્તે વલસાડની જી.એમ.ઈ.આર.એસ.મેડિકલ કોલેજના વિદ્યાર્થી ગૌરવ એવા યશ પંડિતને ૩ મેડલ તથા ૫ પારિતોષિક સહિત કુલ ૮ પુરસ્કાર મેળવ્યા હતા. જેમાં એમ.બી.બી.એસ.માં સર્જરી, મેડીસીન, જનરલ મેડીસીન શાખામાં મેડલ અને પારીતોષિક પ્રાપ્ત થયા છે. યશ પંડિતે જણાવ્યું કે, મારા માતા પિતાના સાથ સહકાર વગર આ શક્ય ન હતું.