(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૨૬
ગુજરાત સરકારે આજે રજૂ કરેલા બજેટમાં મધ્યગુજરાતની સૌથી મોટી વડોદરાની સયાજી જનરલ હોસ્પિટલમાં રૂા.૧૮૦ કરોડનાં ખર્ચે ૬૦૦ બેડની અત્યાધુનિક મેટરનિટી ચાઈલ્ડ હોસ્પિટલ બનાવવામાં આવશે તેમ જણાવ્યું છે. સાથે જ આ હોસ્પિટલમાં કુપોષિત બાળકો માટે ખાસ એન.આર.સી. વિભાગ તૈયાર કરવામાં આવશે.
આ અંગે જણાવતા સયાજી હોસ્પિટલનાં સુપ્રિટેન્ડન્ટ ડૉ. રાજીવ દેવેશ્વરે જણાવ્યું હતું કે, વડોદરાની સયાજી હોસ્પિટલ મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ છે. આ હોસ્પિટલમાં વડોદરા શહેર-જિલ્લા ઉપરાંત પંચમહાલ, દાહોદ, આણંદ, મહિસાગર, ભરૂચ અને નર્મદા જિલ્લા સહિત આસપાસનાં ગામો અને રાજ્યોમાંથી પણ દર્દીઓ સારવાર અર્થે આવે છે. ગુજરાત સરકારે રજૂ કરેલા બજેટમાં ૬૦૦ બેડની મેટરનિટી ચાઇલ્ડ હોસ્પિટલ બનાવવા માટે રૂા.૧૮૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે. જે અંતર્ગત ૫૦ કરોડ રૂપિયા પ્રથમ વર્ષે ફાળવવામાં આવશે. આ હોસ્પિટલ સયાજી હોસ્પિટલનાં મુખ્ય ગેટની પાસે આવેલી ખુલી જગ્યામાં બનાવવામાં આવશે. હોસ્પિટલ અત્યાધુનિક સાધનોથી સજ્જ રહેશે. જેમાં મેટરનિટી વિભાગ, પિડીયાટ્રીક, સર્ગભા મહિલાઓ માટે આઇ.સી.યુ., બાળકો માટે એન.આઇ.સી.યુ., પી.આઇ.સી.યુ. તથા કુપોષિત બાળકો માટે એન.આર.સી. સહિતનાં વિભાગો બનાવવામાં આવશે. પહેલા સયાજી હોસ્પિટલમાં ૪ હજાર જેટલી ડિલીવરી થતી હતી, હવે ૮ હજાર થાય છે. જેથી ભવિષ્યને ધ્યાનમાં રાખી મેટરનિટી ચાઇલ્ડ હોસ્પિટલની જરૂરિયાતને પગલે સરકારમાં આ અંગે રજૂઆત કરાઇ હતી. જે રજૂઆતોને સરકારે ધ્યાનમાં લઇ રૂા.૧૮૦ કરોડના ખર્ચે મેટરનિટી ચાઇલ્ડ હોસ્પિટલ બનાવવાને મંજૂરી આપી છે તેમ પણ ડૉ. રાજીવ દેવેશ્વરે જણાવ્યું હતું.