પાટણ, તા.૧૧
વારાહી ખાતે ઘરકંકાસમાં પતિએ પત્નીને ગુપ્ત ભાગે ઈજાઓ પહોંચાડી હત્યા કર્યાનો બનાવ પ્રકાશમાં આવતા ભારે સનસનાટી મચી છે. ગુનાહિત ઈતિહાસ ધરાવતા હત્યારા પતિની પોલીસે ગણતરીના કલાકોમાં ધરપકડ કરી હતી.
વારાહી ખાતે પારકરાવાસમાં રહેતા વેરશીભાઈ પરમાભાઈ ઠાકોર (પારકરા) અને પત્ની શંકુબેન વચ્ચે રાત્રિના સમયે ઝઘડો થયો હતો. જે સમયે ઉશ્કેરાઈ ગયેલા પતિએ પત્નીને શરીરના ભાગે માર મારી ગુપ્ત ભાગે ગંભીર ઈજા પહોંચાડી હતી. જેને તાત્કાલિક સારવાર માટે વારાહી દવાખાને ખસેડવામાં આવી હતી. પરંતુ હાલત ગંભીર જણાતા ધારપુર સિવિલ હોસ્પિટલ ખસેડવા તબીબે જણાવેલ. આ સમયે પતિ વેરશીભાઈએ દર્દથી કણસતી પત્નીને વધુ સારવાર અર્થે લઈ જવાના બદલે ઘરે લઈ જતા રાત્રિ દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. સવારના સમયે વેરશીભાઈએ સિનાડ ગામે રહેતા સસરા બિજલભાઈ જકશીભાઈને ફોન કરી પત્નીના મોતના સમાચાર આપતા પિયરપક્ષના સભ્યો વારાહી ખાતે દોડી આવ્યા હતા અને મૃતકને જોઈ ચોંકી ઊઠ્યા હતા.
પુત્રીના મોત મામલે બિજલભાઈએ મૃતકની દેરાણી ગંગાબેન બાબુભાઈ ઠાકોરને પૂછપરછ કરતાં તેણીએ જણાવ્યું હતું કે, ગત રાત્રિના ૧૦ કલાકના સમયે બંને પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. શંકુબેનની બૂમાબૂમ સાંભળી અમે દોડી ગયા હતા. આ સમયે વેરશીભાઈએ જેઠાણી શંકુબેનને ગાલ ઉપર તથા હોઠ ઉપર ઠુસા મારી ખાટલામાં પાડી દીધી હતી અને ગુપ્ત ભાગમાંથી લોહી વહેતું હતું. આ દૃશ્ય જોઈ અમે તાત્કાલિક વારાહીની સરકારી હોસ્પિટલમાં લઈ ગયેલ પરંતુ ફરજ પરના તબીબે હાલત ગંભીર જણાતા ધારપુર સિવિલ હોસ્પિટલ ખસેડવાની સલાહ આપી હતી. પરંતુ વેરશીભાઈએ લઈ જવાની ના પાડતાં ઘરે પરત આવ્યા હતા.
ઉક્ત હકીકત સાથે સસરા બિજલભાઈ જકશીભાઈ ઠાકોરે જમાઈ વેરશીભાઈ પરમાભાઈ વિરૂદ્ધ પુત્રીની હત્યાની વારાહી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના કલાકોમાં જ વેરશીભાઈની ધરપકડ કરી તેની વધુ પૂછપરછ હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વેરશીભાઈ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે અને તાજેતરમાં જ જેલમાંથી સજા કાપી છૂટ્યો છે. ત્યારે પત્નીની હત્યા કરતાં લોકોમાં ભારે ફિટકાર જોવા મળ્યો હતો.