અંકલેશ્વર, તા.૧૩
અંકલેશ્વરમાં હોટેલ માલિક પાસે તોડ કરનાર બોગસ કલેકટર ઓફિસનો સ્ટાફની ગેંગ ઝડપાઈ છે. અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર ૪૮ને અડીને આવેલ હોટેલ ઓસ્કાર પર તારીખ ૬મે ૨૦૨૦ની રાત્રે એક ચાર અજાણ્યા ઈસમો સહિત એક મહિલા આવ્યા હતા, અને પોતે કલેકટર ઓફિસનાં સ્ટાફમાં હોવાનું જણાવી લોકડાઉનમાં ચેકીંગમાં આવ્યા હોવાનું જણાવ્યું હતું અને સાથે મિડીયાની ટીમ હોવાનું કહીને શૂટિંગ કરવા લાગ્યા હતા, તેમજ લોકડાઉનમાં બંધ હોટેલમાં રહેલા સિગારેટ, તંબાકુ, માવા સહિતનો જથ્થો હોવાથી તેઓએ આ જથ્થો થેલામાં ભરી લીધો હતો, અને કેસ કરીને હોટેલ સીલ કરવાની ધમકી આપી હતી. જેના પતાવટ પેટે આ ટોળકીએ હોટેલ માલિક પાસેથી રૂપિયા ૧ લાખ રોકડા તથા સિગારેટ, તંબાકુ અને માવાનો રૂપિયા ૭૦૦૦૦નો જથ્થો લઈને કારમાં ફરાર થઇ ગયા હતા.
જોકે, આ આખી ઘટનામાં હોટેલ માલિક વસીમ વાહીદ માકણુજીયાને શંકા જતા તેઓએ અંકલેશ્વર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી, જેના આધારે ભરૂચ એલસીબી પોલીસનાં પીએસઆઇ વાય જી ગઢવી અને તેમની ટીમે તપાસ શરૂ કરી હતી અને હોટેલ ઓસ્કારનાં સીસીટીવી ફૂટેજ મેળવીને સઘન તપાસ કરતા એલસીબી પોલીસને સફળતા મળી હતી, અને પોલીસે ટીવી ટાઈમ્સ ન્યુઝ ચેનલનાં અંકલેશ્વરના બિઝનેસ હેડ સુનિલ રામચંદ્ર જયસ્વાલ, નવા દિવાના જીતેન્દ્ર મહેન્દ્રભાઈ ચૌહાણ, સારંગપુર મારૂતીધામના અરવિંદ ઉર્ફે વિજય ત્રિભોવનભાઈ પરમાર, અને મીરાંનગરના આકાશસિંગ સંજયસિંગને ઝડપી લીધા હતા, અને વધુ તપાસ શરૂ કરી હતી, જ્યારે આ ઘટનામાં એક મહિલા હજી ફરાર હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.