(સંવાદદાતા દ્વારા)
હિંમતનગર, તા.૨
હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં નગરપાલિકા દ્વારા રેન બસેરા બનાવવાનું આયોજન કરાઇ રહ્યુ છે ત્યારે કેનાલપટ્ટી પર રહેતા ઝૂંપડપટ્ટીના દસથી વધુ પરિવારોને પાલિકાએ તાજેતરમાં આખરી નોટીસ આપીને તાકીદ કર્યા બાદ મામલો ગરમાયો હતો. ગુરૂવારે અસરગ્રસ્ત પરિવારના લોકોએ પાલિકા સામે બાંયો ચઢાવવાનું નક્કી કરી હાઇકોર્ટમાંથી મનાઇ હુકમ લાવવાની કવાયત હાથ ધરી છે. આ અંગે ઝૂંપડપટ્ટી પરિવારોવતી દીપકભાઇ લાખાજી ભાટે પાલિકાને ગુરૂવારે નોટીસમાં જણાવ્યુ છે કે હિંમતનગર પાલિકાની હદમાં આવતા સર્વે નં.૫ પૈકીની કેટલીક જમીનમાં અમારા વડવાઓ વસવાટ કરતા હતા. હાલ તો તેઓ હયાત નથી પરંતુ અમે તેમના વારસદારો છીએ અને અમો ભૂતકાળમાં આ જમીન પેટે વીગોટી પણ સરકારને ચૂકવી છે. રજવાડા વખતે અમને દાનમાં આપેલી આ જમીનની કેટલીક સનદો પણ છે તેમ છતાં જમીન વિવાદ અંગે અમોએ હિંમતનગરની કોર્ટમાં ૯૦/૨૦૧૮થી દાવો દાખલ કરેલ છે. તેનું નિરાકરણ આવ્યુ ન હોવા છતાં પાલિકાએ ગત તા.૨૯ જૂનના રોજ આખરી નોટીસ પાઠવીને ઝૂંપડાઓ હટાવી દેવાની તાકીદ કરી છે. જ્યાં સુધી કોર્ટ કેસનો ચુકાદો નહીં આવે ત્યાં સુધી આ ઝૂંપડાઓ ન તોડી પાડવા જોઇએ તેવા મતલબ સાથે પુરાવા એકત્રિત કરીને મનાઇ હુકમ મેળવવા માટેની તજવીજ હાથ ધરી છે. તેમણે આાક્ષેપ કરતા જણાવ્યુ હતું કે, અગાઉ રેન બસેરા માટે પાલિકાએ જે જમીન પસંદ કરી હતી તેમાં હિંમતનગરના રાજકીય વગ ધરાવતા શખ્સે પોતાની વગ વાપરીને અન્ય જમીનની પસંદગી કરવા દબાણ કરતા પાલિકાના સત્તાવાળાઓએ આ રાજકીય અગ્રણીના શરણે આવીને નિર્ણય બદલી નાખ્યો હોવાનો આક્ષેપ સ્થાનિક ઝૂંપડાઓના રહીશોએ કર્યો છે.