(સંવાદદાતા દ્વારા)
સુરત, તા.૧૩
નવસારી જિલ્લામાં લોકડાઉન બાદ પણ કોરોના ગ્રાફ ઉંચે જતા આજરોજ વધુ ૧૫ જેટલા કોરોના પોઝિટિવ કેસો મળી આવતા તમામને નવસારી કોવિડ-૧૯ હોસ્પિટલમાં દાખલ કર્યા છે. નવસારી જિલ્લામાં કોરોનાના અત્યાર સુધીમાં કુલ ૨૮૧ જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી કુલ ૧૨ વ્યક્તિઓના કોરોનાથી મોત નીપજ્યા હતા. જિલ્લા કલેક્ટર દ્વારા બે દિવસ અગાઉ જાહેરનામું બહાર પાડી સવારે ૬થી બપોરે ૨.૦૦ વાગ્યા પછી લોકડાઉન જાહેરાત કરવામાં આવી છે. છતાં કેટલાક લોકો પોલીસના ડર વિના હરી ફરી રહ્યા છે અને સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કરતા જોવા મળે છે. નવસારી જિલ્લામાં આજે કોરોનાના વધુ ૧૫ નવા કેસો નોંધાયા છે. જેમાં નવસારી પ્રેમાનંદ કોમ્પ્લેક્ષમાં રહેતા રાણા દંપતિ, બીલીમોરા આનંદ બાગમાં રહેતા ચૌહાણ દંપતિ, ચીખલી દેગામનો ૫૫ વર્ષીય આધેડ, નવસારી લીમડાચોકના વૃદ્ધ, નવસારી દાંતેજગામનાં ૪૫ વર્ષીય શખ્સ, નવસારીના મોગાર ગામનો યુવાન, જલાલપોરના યુવાન, જલાલપોરના પરૂજણ ગામનો ૫૮ વર્ષીય આધેડ, વાંસદા ગાયત્રી વિલામાં રહેતો મોબાઈલ દુકાનદાર, નવસારીના છાપરા મેઘનામ પાર્કમાં રહેતી ૫૧ વર્ષીય મહિલા, ચીખલીના જોગવાડનો ખેતમજૂર, વાંસદાનાં આંબાપાણી ખાતે રહેતો યુવાન અને અમલસાડ સરીબુજરંગમાં રહેતો યુવાન કોરોના પોઝિટિવ આવતા તમામ દર્દીઓને કોવિડ-૧૯ હોસ્પિટલમાં દાખલ કર્યા છે. નવસારી જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના ૨૮૧ દર્દીઓ નોંધાયા છે. જે પૈકી કુલ ૧૨ વ્યક્તિઓના કોરોનાથી મોત થયા હતા અને હાલમાં જિલ્લામાં કુલ ૧૩૫ દર્દીઓ સારવાર હેઠળ છે.