(સંવાદદાતા દ્વારા)
સુરત, તા.૧૩
સુરત સહિત ભારતભરમાં કોરોના વાયરસની મહામારીને કારણે એપેડેમિક ઈમરજન્સી ઊભી થઈ છે. આવા સમયે સુરત શહેરના ખાનગી તબીબો દ્વારા કોરોના સંક્રમિત દર્દીઓને બિનજરૂરી રીતે ટોસિલીજુમાબ નામનું ઈન્જેક્શન આપવાનું શરૂ કરાતાં સુરત શહેરમાં આ ઈન્જેક્શનની અછતની સાથે કાળાબજાર શરૂ થઈ ગયા હતા. આ અંગે ભારે ઉહાપો થયો છે. ઈન્જેક્શનોના કાળાબજાર કરનારાને ત્યાં ડ્રગ ફુડ વિભાગે દરોડા પાડી પોલીસ કેસ પણ કર્યા હતા. ત્યારબાદ રાજ્યના આરોગ્ય સચિવની સૂચનાથી કલેક્ટર ડૉ.ધવલ પટેલ, આઈસીએમઆરની માર્ગદર્શિકા મુજબ દર્દીઓની ક્રિટીકલ સ્થિતિમાં સારવાર માટે ટોસિલીજુમાબના ઈન્જેક્શનો આપવા માટે ખાનગી તબીબોએ ત્રણ તબીબ ડા. સમીર ગામી, ડૉ.અલ્પેશ પરમાર, ડૉ.દિપક શુકલાની બનેલી કમિટી પાસેથી ભલામણ મેળવ્યા બાદ જ આ ઈન્જેક્શનો દર્દીને આપવાનો આદેશ કર્યો છે. ત્યારબાદ ડૉ. સમીર ગામી, ડૉ.અલ્પેશ પરમાર, ડૉ.દિપક શુકલાની બનેલી આ કમિટીને ખાનગી તબીબો પાસેથી ૨૫૦ જેટલા દર્દીને આ ઈન્જેક્શન આપવા માટેની અરજીઓ જરૂરી મેડીકલ ડોક્યુમેન્ટ સાથે મળી હતી. આ કમિટીએ તમામ દસ્તાવેજો અભ્યાસ કર્યા બાદ ૯૦ ટકા અરજીને મંજૂર કરી અંદાજે ૨૨૫ કોરોના વાયરસ દર્દીને આ ઈન્જેક્શન આપવા માટે કલેક્ટરને ભલામણ કરી હોવાનું જાણવા મળ્યું છે.