(સંવાદદાતા દ્વારા જામનગર, તા.૧૩
જામનગર સહિત રાજ્યમાં આરટીઇ હેઠળ ખાનગી શાળાઓમાં બોગસ પ્રવેશ અંગેની ફરિયાદો થોડા મહિનાઓ પહેલાં ઉઠતા ઉચ્ચકક્ષાએથી આ મામલે તપાસના આદેશો આપવામાં આવ્યા હતા. તપાસ દરમ્યાન ૧૭ જેટલા કેસ શંકાસ્પદ જણાયા હતા જેની તાજેતરમાં જ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. દરમ્યાનમાં ૧૧ એડમીશન રદ કરવામાં આવ્યા છે અને છ કેસમાં પુનઃ તપાસ કરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.
સુનાવણી દરમ્યાન એવી ચોંકાવનારી હકીકતો બહાર આવી હતી કે એક વાલી પાસે તો ૧૦-૧૦ વીઘા જમીન અને અન્ય પાસે લાખો રૂપિયા રિટર્ન જેવી વિગતો પ્રકાશમાં આવી હતી.
જે અનુસંધાને જામનગર જિલ્લા પંચાયત હસ્તકની આરટીઇ હેઠળ પ્રવેશ લેનાર ખાનગી શાળાઓમાં સ્થાનિક કક્ષાએથી તપાસ કરવામાં આવી હતી. જેમાં ૧૭ કેસ શંકાસ્પદ જણાયા હતા. આ વાલીઓને જરૂરી દસ્તાવેજો સાથે રૂબરૂ હાજર રહેવા સુનાવણીમાં બોલાવવામાં આવ્યા હતા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડી.બી. પટેલ અને આરટીઇના નાયબ પ્રા.શિ. પડીયાની ઉપસ્થિતિમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં ૧૧ પ્રવેશ રદ કરવામાં આવ્યા છે અને કાલાવડ, ધ્રોલ અને જામનગરના મળી કુલ ૬ કેસની પુનઃ તપાસ કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આરટીઇ પ્રવેશના શંકાસ્પદ કેસની તપાસમાં વધુ આવક, ભૌતિક સવલતો જેવી બાબતો છુપાવ્યાનો પદાર્ફાશ થયો છે એટલે કે એક વાલી પાસે ૧૦ વિઘા જમીન, ૧૪ હજારનું પેન્શન, પોણા ત્રણ લાખ આઇટી રિટર્ન જેવી બાબતો ખુલતા આ પ્રવેશ રદ કરવામાં આવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.
ઉપરોકત પ્રક્રિયા કરાતા વાલીઓ અને શિક્ષણ વિભાગમાં ભારે ચકચાર ફેલાઇ ગઇ હતી. તો ઉપરોક્ત કિસસાઓમાં જે ભોપાળ છતાં હજુ છ કેસમાં ફરીથી કાર્યવાહી હાથ ધરવામાં આવશે જેના કારણે હજુ એક બે એડમીશન રદ થાય તો નવાઇ નહીં ઉપરોકત સુનાવણીમાં ખાસ કરીને ધ્રોલ અને કાલાવડના કેસ વધુ જોવા મળ્યા હતા એવી પણ વિગત બહાર આવી હતી કે જામનગર તાલુકામાં સાત વિદ્યાર્થી, ધ્રોલમાં ચાર વિદ્યાર્થીઓના વાલીઓએ વધુ આવક હોવા છતાં ઓછી દર્શાવીને પ્રવેશ લીધો હતો. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે જે તે વખતે છ તાલુકાની ખાનગી શાળાઓમાં આરટીઇ હેઠળ પ્રવેશ લેનારા ૯૭૫ બાળકોની તપાસ કરવામાં આવી હતી.