(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૧૧
મહારાષ્ટ્રના નાસિકથી સુરત પુત્રીને મળવા માટે આવેલા પિતાને રિક્ષાચાલક ટોળકીએ લૂંટી લીધા હોવાની ફરિયાદ લિંબાયત પોલીસ મથકમાં નોંધાઈ છે. આ વ્યક્તિને વેસુ જવાનું હોય રિક્ષાચાલક ટોળકી માર્ગમાં જ ગેમ કરી લીધા બાદ રૂા.૧૦૦ આપીને નાસી છૂટી હતી. બનાવની મળી વિગત મુજબ મહારાષ્ટ્રના નાસિકના ત્ર્યંબક રોડ ઉપર સમૃદ્ધ નગરમાં રહેતા નરેશ કિશનચંદ અગ્રવાલ હાલ નિવૃત જીવન જીવી રહ્યા છે, તેઓ પોતાની પુત્રીને મળવા માટે નાસિકથી સુરત આવ્યા હતા. વહેલી સવારે સહારા દરવાજા પાસે ઊતરીને તેઓ રિક્ષા મારફતે વેસુ જઇ રહ્યા હતા. એક રિક્ષાવાળાએ તેઓને બેસાડીને લઇ જતા હતા. રિક્ષાવાળો અળગ રસ્તા ઉપરથી લઇ જતા નરેશભાઇએ તેઓને રોક્યો હતો, ત્યારે રિક્ષાચાલકે કહ્યું કે, પહેલાં આ ભાઇને ઉતારી દઉં પછી તમને વેસુ ઉતારીશ. તેમ કહીને રિક્ષાચાલક રિક્ષાને લિંબાયત મીઠીખાડી પાસે નારાયણનગર નજીક ખાડીના કિનારા પાસે ઊભી રાખી હતી અને ત્યાં પેશાબ કરવા માટે ઊભો રહ્યા બાદમાં રિક્ષાચાલકે પાછળની સીટ ઉપર આવી ગયો હતો અને નરેશભાઇને ચપ્પુ બતાવીને કહ્યું કે, તારે તકલીફ જોઇતી ન હોય તો તારી પાસે જે કાંઇ હોય તે આપી દે, નરેશભાઇએ પોતાની પાસેથી રૂા.૬ હજાર હતા, તે આપી દીધા હતા. થોડીવાર બાદ બીજા યુવકે રૂા. ૬ હજારની કિંમતનો મોબાઇલ તેમજ બે તોલાની સોનાની ચેઇન પણ લઇ લીધી હતી અને ચાલવા લાગ્યા હતા. નરેશભાઇએ કહ્યું કે, મારે વેસુ જવાનું છે, ત્યારે રિક્ષાચાલકોએ પરત ૧૦૦ રૂપિયા આપીને ભાગી ગયા હતા. આ રિક્ષાની નંબરપ્લેટ ઉપર કાળુ કપડુ લગાવ્યું હોય નંબર જોઇ શકાયો ન હતો. વહેલી સવારે છ વાગ્યે ચાલવા નીકળેલી એક મહિલા અને તેના પુત્ર પાસેથી મદદ લઇને નરેશભાઇ પોતાની પુત્રીને ત્યાં પહોંચ્યા હતા અને બાદમાં લિંબાયત પોલીસ મથકે ફરિયાદ કરવામાં આવી હતી.